લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના મચ્છુનગર રેલ્વે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી મળી આવેલ એક ૪૫ વર્ષીય મહિલાની લાશના કેસમાં પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસે રેપ વિથ મર્ડર (બળાત્કાર અને હત્યા) ના આ ગંભીર ગુનામાં સંડોવાયેલા અજાણ્યા આરોપીને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બનાવની મળતી વિગતો મુજબ તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ગાંધીધામના મચ્છુનગર રેલ્વે ફાટક પાસે આવેલ બાવળની ઝાડીમાંથી એક આશરે ૪૫ વર્ષના મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આરોપીએ મહિલાની હત્યા કરી લાશને ઝાડીઓની અંદર ફેંકી દીધી હતી.
આ ચકચારી ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ, એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમોએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં એફ.એસ.એલ. ટીમ, ક્રાઇમ સીન એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદ લેવામાં આવી હતી.
બનાવ વાળી જગ્યાએથી પોલીસને આરોપીનો એક રૂમાલ અને ચંપલ મળી આવ્યા હતા. સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક શંકાસ્પદ ઇસમ આ રૂમાલ માથા પર વીંટીને ઘટનાના આશરે એક કલાક પહેલા નજીકના રોડ પરથી પસાર થયો હતો. આ ટેકનિકલ કડીના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસે બાતમી અને ટેકનિકલ લોકેશનના આધારે શંકાસ્પદ ઇસમને ગણતરીના કલાકોમાં જ ઈન્દિરાનગર રેલ્વે પાટા પાસેથી આરોપી પ્રેમસિંગ પુરીબાગ દબોચી લીધો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ આરોપીએ જણાવ્યું કે, બનાવના દિવસે ભોગ બનનાર મહિલા ટીફીન લઈને બાવળવાળા રસ્તેથી પસાર થઈ રહી હતી. તે સમયે આરોપીએ તેને બળજબરીપૂર્વક પકડી પાડી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેની લાશ સાથે બળાત્કાર ગુજારી, મૃતદેહને બાવળની ઝાડીમાં ફેંકીને નાસી ગયો હતો. આ ગુનામાં આરોપી પ્રેમસિંગ પુરીબાગ ઉંમર ૨૩ વર્ષ શ્રદ્ધાપુર, પો.સ્ટે. સુનાપુર, થાના-બોડન, જીલ્લો-નુઆપાડા (ઓડિશા)ની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરીને આગળની વધુ તપાસ શરૂ કરી છે.


