લોકભાષા-ભુજ :
ગઢશીશા ગામે રહેતા યુવક સાથે મહારાષ્ટ્રીયન યુવતીના લગ્ન કરાવીને સવા બે લાખ રોકડા અને દાગીના પડાવી જવાના કેસમાં નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમી પરથી ભુજથી ઝડપી પાડ્યો હતો.
ભોગબનાર યુવકે ગઢશીશા પોલીસ મથકમાં માધાપર રહેતા કૌટુબીક ભાઇ પુનીત પ્રફુલભાઇ જણસારી, વિશાલ થારૂ, પ્રકાસ મહેશ્વરી, જામનગરના હેમંતભાઇ લાખાભાઇ ચુડાસમા અને મહારાષ્ટ્રીયન મનિષા ગજાનંદ માનવતે સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીના મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જેને પેટ રોકડા રૂપિયા 1 લાખ 25 હજાર લીધા હતા. યુવતી એક રાત યુવકના ઘરે રોકાઇને પહેરેલા સોનાના દાગીના સાથે ફરાર થઇ ગઇ હતી. આ કેસમાં પોલીસ પકડથી દુર નાસતા ફરતા હેમંત ચુડાસમા નામનો યુવક હાલ ભુજમાં વિરામ હોટલ પાસે ઉભો હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે ગઢશીશા પોલીસને સુપ્રત કર્યો હતો.


