લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છના ધોરી માર્ગો પર અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પાલરા પાસે ટ્રક સાથે કાર ભટકાતાં ભુજના બે ભાઇઓ જ્યારે કનૈયાબે ગામ નજીક ડમ્પરની ઠોકરે એક્ટિવા ચાલક મહિલા ઘવાઇ હતી. અને હબાય લોડાય વચ્ચે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં યુવાન જખમી થયો હતો.
જી.કે.જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ પાલરા જેલની સામેના રોડ પર શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રક સાથે કાર અથડાતાં કાર સવાર ભુજના નરનારાયણ નગરમાં રહેતા મહેશ પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.27) અને તેમના ભાઇ ભવ્ય પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.23)ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. તો, બીજીતરફ ભુજ તાલુકાના કનૈયાબે સરદારનગર પાસે ટમ્પરની અડફેટે આવી જતાં અજરખપુર ગામના એક્ટિવા સવાર મેરાબાનુ ઇશાકભાઇ ખત્રી (ઉ.વ.40)ને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે હબાય અને લોડાય વચ્ચેના માર્ગ પર બાઇક સ્લીપ થઇ જવાને કારણે હબાય ગામના સમીરભાઇ દાઉદ મણકા (ઉ.વ.20)ને માથા તથા પગના ભાગે ઇજા પહોંચતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.

