લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના નિરોણા ગામે રહેતા 35 વર્ષીય પરણીત યુવાને આર્થીક સંકડામણમાં ગામના સીમાડામાં કેનાલમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. બનાવને લઇ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
નિરોણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામે રહેતો મહેબુબશા મામદશા શૈયદ નામનો યુવાન બે દિવસ પહેલા કામધંધો શોધવા માટે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન શનિવારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં નિરોણા ગામની સીમમાં આવેલી કેનાલના પાણીમાં બાવડની ઝાડીમાં ફસાયલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પરણીત હતો અને છુટક મજૂરી કરતો હતો. કોઇ કામ ધંધો મળતો ન હોવાથી કામધંધાની શોધમાં ઘરેથી નીકળી ગયો હતો. હતભાગી યુવાને અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ગામલોકોમાંથી પોલીસને જાણવા મળ્યું હતું. હતભાગીના મૃતદેહનું પીએમ કરવાતાં તે વધુ પડતું પાણી પી જવાને કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. નિરોણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

