લોકભાષા-ભુજઃ
ભુજમાં ૮ હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયેલાં એસટી નિગમના આસિસ્ટન્ટ ટ્રાફિક ઈન્સપેક્ટરને ભુજની વિશેષ એસીબી કૉર્ટે દોષી ઠેરવી ૪ વર્ષની સખ્ત કેદ સાથે ૮ હજારનો દંડ ફટકાર્યો છે.
વર્ષ ૨૦૧૭માં એટીઆઈ અબ્દુલ ગની ઈસ્માઈલ ખલીફા લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. અબ્દુલે રાપર એસટી ડેપોના એક કંડક્ટર પાસે તેની સામે ચાલતાં કેસમાં સજા હળવી કરાવી આપવાની ઉચ્ચ અધિકારીને ભલામણ કરી આપવાની અવેજમાં લાંચ માંગી હતી.
રાપર એસટી ડેપોનો કંડક્ટર ૨૦૧૪માં બે વખત બસમાં ટિકિટ વગર પ્રવાસીઓને મુસાફરી કરાવતાં ઝડપાયો હતો. જે બદલ તેની સામે બે ચાર્જશીટ દાખલ થઇ હતી .
ભુજમાં એસટીની વિભાગીય કચેરીમાં ચાર્જશીટની સુનાવણી દરમિયાન અબ્દુલે કંડક્ટર પાસે ઓફર કરેલી કે જો તે આઠ હજાર રૂપિયાનો વ્યવહાર કરશે તો પાંચ ટિકિટવાળી ચાર્જશીટમાં ત્રણ ટિકિટની સજા માફ કરાવવા માટે ઉચ્ચ અધિકારીને ભલામણ કરી હળવી સજાનો હુકમ કરાવી આપશે.
લાંચ ના આપવા માંગતા કંડક્ટરે એસીબીને જાણ કરતાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. અબ્દુલે ફોન પર ફરિયાદીને બોલાવી, એક્ટિવાની ડીકી ખોલી તેમાં આઠ હજાર રૂપિયા મૂકાવીને લાંચ સ્વિકારી હતી. આ કેસમાં આજે ભુજની વિશેષ એસીબી કોર્ટના જજ શિલ્પાબેન એમ. કાનાબારે અબ્દુલ ગની ખલીફાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તળે ચાર વર્ષની સખ્ત કેદની સજા સાથે આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે ૪૯ દસ્તાવેજી આધાર પૂરાવા અને ૬ સાક્ષીઓ રજૂ કરાયાં હતાં. કેસમાં ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ફરિયાદ પક્ષ વતી દલીલો કરી તહોમત પૂરવાર કરી સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

