લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છ પોલીસ તંત્રને કાળી ટીલી લગાડનારા જખૌ પોલીસ મથકના મુદમાલરૂમમાંથી 75 કિલો કેબલ વાયરની ચોરીના કેસમાં ખુદ પોલીસ કર્મીની મદદગારીથી ચોરીને અંજામ અપાયો હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ હતી. જખૌ પોલીસે આ કેસમાં અબડાસાના ગઢવાડા ગામના એક આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો, પ્રકરણમાં પોલીસ મથકના જ એક કોન્સ્ટેબલની સંડવણી પાધરી થતાં પોલીસે પુરાવાઓ એકઠા કરવા તજવીજ હાથ ધરી છે.
કચ્છના સરહદી અને અતિ સંવેદનશીલ ગણાતા દરીયાઇ વિસ્તારમાં આવેલા જખૌ પોલીસ મથકમાં પોલીસે ગુનાકામે રીકવર કરેલો ચોરીનો મુદામાલ સ્ટોરેજમાંથી ચોરાઇ જવાની ઘટના બની હતી. આ પ્રકરણમાં અગાઉ જખૌ પોલીસ મથકે કામ કરી ગયેલા કોન્સ્ટેબલનું નામ સામે આવતાં પોલીસ તંત્ર પોતાની આબરૂ બચાવવા દોડધામ કરી મુકી હતી. જો કે, ઘટના અંગે ઢાંક પીછાળો કરવાનું શક્ય ન બનતાં આખરે જખૌ પોલીસ મથકના પીએસઆઇ એચ.ટી.મઢીયાએ અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનામાં જે પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવી છે. તેને અને તેની સાથે ચોરીમાં સામેલ અબડાસા તાલુકાના ગઢડા ગામના 25 વર્ષીય વરૂણ ઉર્ફે હીરો કાનજી ગોરડીયા નામના બે આરોપીઓને પોલીસે ઉઠાવીને પુછપરછ કરી હતી. દરમિયાન વરૂણ ગોરડીયાની ધરપકડ બતાવીને કોર્ટમાં રીમાન્ડ સામે રજુ કરવામાં આવ્યો હતો. અને પોલીસે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હોવાનું જખૌ પોલીસે જણાવ્યું હતું. ગઢડાના આરોપીની રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવશે. ચોરીમાં સામેલ પોલીસ કર્મચારીનું નામ બહાર આવ્યું છે. ત્યારે જખૌ પોલીસ લીપાપોથી કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ કર્મચારીની સંડવણી અંગે તપાસનીશ દ્વારા જીણવટ ભરી તપાસ કરી રહી હોવાનું અને પુરાવાઓ મળી આવતાં પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

