લોકભાષા-આણંદપર :
કચ્છમાં ઉનાળાના આગમન ટાંકણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે માર્ગો પર અચાનક મસી નામની જીવાતનો ઉપદ્રવ વધતા જેના કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.તેથી રાહદારીઓ મોં ઉપર માસ્ક-રૂમાલ લગાવી મસીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. વાહનચાલકો હેલ્મેટ, રૂમાલ ચશ્મા અને દુપટ્ટાથી ચહેરો કવર કરીને મસીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.મસી નામની જીવાત માર્ગ પર ઉપદ્રવ વધતા લોકો ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને હવામાં ઉડાઉડ કરતી આ મસી નામની જીવાત કપડામાં ચોંટવાની સાથે આંખમાં પડતી હોવાથી વાહનચાલકોને આંખમાં બળતરા સહિત આંખને લગતી અનેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગેની વિગતો મુજબ વાહન લઈને નીકળતા ચાલકો અને રસ્તે ચાલતા લોકોની આંખમાં કાળી મસી ઘૂસી જાય છે. જેના કારણે લોકોને આંખમાં બળતરાની સમસ્યા થવાનો ભય વધી રહ્યો છે. રાહદારીઓને કપડાં પર પણ મસી ચોંટી જવા ઉપરાંત ખાણી-પીણીમાં કાળી મસી ઘૂસી જવાથી લોકો પરેશાન થઈ ગયા છે. એક તરફ શિયાળાની વિદાય થઈ રહી છે તો બીજી તરફ ડબલ ઋતુના કારણે લોકોના આરોગ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે.ત્યારે મિશ્ર ઋતુયુક્ત વાતાવરણમાં જીવજંતુઓનો ત્રાસ વધી રહ્યો છે.રોડ ઉપર જતી વખતે લોકોને ચશ્મા અને મોં પર રૂમાલ ફરજિયાત પણે બાંધવો પડી રહ્યો છે. ઝુઓલોજી વિભાગના સુત્રો અનુસાર વસંત ઋતુના અનુકુળ ટેમ્પરેચરના કારણે મોટી સંખ્યામાં અનેક પ્રકારના જીવજંતુઓનું પ્રજનન થતું હોય છે.જેના કારણે દર વર્ષે આ સમયગાળા દરમ્યાન મસીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ સમય દરમ્યાન તેઓ સવારે આઠથી દસ અને સાંજના ચાર થી છ દરમ્યાન પવન જે દિશામાં હોય તે દિશામાં જ ઉડે છે. તે વાઈરસની વાહક હોવાના કારણે અંદાજે પ૦૦ જેટલા પ્લાન્ટ માટે તે નુકશાનકર્તા છે.કારણ કે, તે વાઈરસની વાહક છે અને એક પ્લાન્ટસનો વાઈરસ બીજા પ્લાન્ટસ પર ફેલાવે છે.

