લોકભાષા-ભુજ :
અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોને ડામવા પશ્ચિમ કચ્છ પોલીસે જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને 42 આરોપીઓના રહેણાક અચાનક છાપો માર્યો હતો. જેમાં બે આરોપીઓને તલવાર, ધારિયા, છરી, નકલી બિસ્કિટો સાથે પકડયા હતા. દરમિયાન ભુજ શહેર પોલીસ મથકના છેતરપીંડી, અપહરણ અને ગેરકાદે હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા ભુજ રહિમનગરમાં રહેતા ચીટરના ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. જેમાંથી 24,31,342ની કિંમતના સોનાના દાગીના અને 6 લાખ 90 હજાર રોકડા રૂપિયા તથા ધારિયું, તલવાર, ભાલો અને લોખંડના પાઇપ સહિતનો મુદમાલ મળી આવ્યો હતો. જ્યારે રીઢો આરોપી હાથ લાગ્યો ન હતો. તો બીજીતરફ એરપોર્ટ રોડ પરથી બુલેટ પર છરી સાથે ફરતા ચીટરના પુત્રને પણ દબોચી લીધો હતો.
પશ્ચિમ કચ્છ પોલીસની ટીમે મંગળવારે સાંજે કોંમ્બિંગ દરમિયાન ભુજના પ્રભુનગર પાસે આવેલા વાડામાંથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા નૂરમામદ ઇબ્રાહિમ અજડીયા તથા મોહિત પ્રદિપ માખીજાને સોનાના નકલી 12 બિસ્કિટ, સાત નંગ ધારિયા, તલવાર, કુહાડી, લોખંડના પાઇપ અને બીલ વીનાના 23 મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા. બાદમાં એ ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે એરપોર્ટ રોડ પરથી બુલેટ પર ફરતા નૂરમામદ અજડીયાના પુત્ર શબિરહુશેન નૂરમામદ અજડીયા (ઉ.વ.22)ને છરી સાથે પકડી પાડીને તેની પાસેથી છરી અને 80 હજારનું બુલેટ કબ્જે કર્યું હતું. તો, ભુજ એ ડિવિઝન પોલીસ મથકના છેતરપીંડી, અપહરણ, ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલ સમીર અબ્દુલ કાદર સોઢાના ખારી નદી રોડ પર રહિમનગર ઉસ્માની મસ્જિદ પાસે આવેલા મકાનની બહાર પાર્ક કરેલી સ્કોર્પિયો કારમાંથી રૂપિયા 36,21,342ની કિંમતના સોનાના દાગીના અને રોકડા 6 લાખ 90 હજાર તેમજ ધારિયા, તલવાર, ભાલા, અને લોખંડના પાઇપ સહિતનો મુદમાલ કબ્જે કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


