લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના ભારાપરમાં પરણીત મહિલાએ અને પધ્ધર પાસેની કંપનીમાં મજુરે અકડ કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો, ખાવડા પાસેની આર.ઇ. કંપનીમાં થાંભલા પર પડી જતાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ અંગે તપાસ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભારાપર ગામે રહેતા કાંતાબેન પુનમભાઇ મહેશ્વરી (ઉ.વ.37) નામના મહિલા બીમાર રહેતી હોય બીમારીથી કંટાળીને ગત 16 માર્ચના સાંજે સાડા છ વાગ્યે પોતાના ઘરે પંખા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. મહિલાને પ્રથમ કે.કે. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં ફરજ પરના તબીબે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે મૃત જાહેર કર્યા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે. તો, મુળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલ પધ્ધર ખાતેની એડવાન્સ સિમેન્ટ કંપનીમાં મજુરી કરતા 24 વર્ષીય કેસરીસિંહ કેરલાસિંહ રાવત નામના શ્રમજીવીએ કોઇ અગમ્ય કારણોસર બુધવારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કંપનીમાં લોખંડના એંગલ પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે. જ્યારે ખાવડામાં અદાણી કંપનીનાં આર.ઇ. પાર્કમાં કામ કરતા પશ્ચિમ બંગાળના ઇશાકુ મોન્ટુ અલી (ઉ.20) નામનો મજુર બુધવારે સાંજે થાંભલા પર ચડીને કામ કરતો હતો. ત્યારે થાંભલા પરનું હુંક તુટી જતાં નીચે પટડાયો હતો. જેમાં તેને કાન અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

