લોકભાષા-ભુજ :
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સુરક્ષિત જંગલ વિસ્તારની જમીન અને વન્યજીવોના સંરક્ષણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છ પશ્ચિમ વન વિભાગ હસ્તકના કાર્યવિસ્તારમાં આવતી ભુજ પશ્ચિમ રેન્જ હેઠળ ભુજ શહેરના મિરજાપર અનામત જંગલ વિસ્તારમાં, જંગલની મુખ્ય સુરક્ષિત જમીન પર ધાર્મિક જગ્યાના ઓઠા હેઠળ કરાયેલા ગેરકાયદેસર દબાણોને આજે સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે.
આ સંવેદનશીલ ઓપરેશન વન સંરક્ષક (કચ્છ વન વર્તુળ) ડૉ. ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષક (કચ્છ પશ્ચિમ વન વિભાગ) હર્ષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મદદનીશ વન સંરક્ષક આર. એલ. ચૌધરી અને સુશ્રી જે. બી. જોશી સહિત ભુજ પશ્ચિમ રેન્જનો તમામ સ્ટાફ જોડાયો હતો.
આ ઉપરાંત, નખત્રાણા પૂર્વ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી એ. બી. સરવૈયા અને તેમનો સ્ટાફ, નખત્રાણા પશ્ચિમ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી. સી. મોદી અને તેમનો સ્ટાફ, તેમજ માંડવી નોર્મલ રેન્જનો સ્ટાફ પણ આ રેડમાં સામેલ થયો હતો. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર, ભુજ શહેર તથા પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ભુજ શહેર મધ્યે આવેલ આઈ.ટી.આઈ. કોલેજ નજીક મિરજાપર જંગલમાંથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા પાકા ધાર્મિક બાંધકામો અને તેની આસપાસ કરાયેલા અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત અંદાજે ૩૦૦૦ ચોરસ મીટર જેટલી જમીન ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવીને વન વિભાગે પોતાનો ભૌતિક કબ્જો મેળવ્યો છે. મુક્ત કરાવેલી આ વન જમીનની અંદાજિત કિંમત રૂપિયા ૧૫ કરોડ જેટલી થાય છે.વન વિભાગના જણાવ્યા અનુસાર, ભુજ પશ્ચિમ રેન્જ દ્વારા અગાઉ આ દબાણ સંબંધિત નોટીસો પાઠવવામાં આવી હતી. નોટીસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે.






