લોકભાષા-ગાંધીધામ :
ધ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડની ખાલી પડેલી ૩ ડાયરેક્ટર બેઠકોની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં પ્રોગ્રેસિવ પેનલે ભવ્ય વિજય મેળવીને બાજી મારી લીધી છે.
આ રસાકસીભરી ચૂંટણીમાં પ્રોગ્રેસિવ પેનલના ત્રણ ઉમેદવારો હેમંત સદારંગાણી, સેવક લખવાણી અને લલિત વિધાની જંગી મતોથી વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે જ પ્રોગ્રેસિવ પેનલના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
એસઆરસીની આ મહત્વની ૩ બેઠકો માટે ગત તા. ૧૮, ૧૯ અને ૨૦ ના રોજ સળંગ ત્રણ દિવસ સુધી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં કુલ ૬ ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો, જેમાં સેવક લખવાણી, લલિત વિધાની, ભૈરવી જૈન, દીપક લખવાણી, હેમંત સદારંગાણી અને ઓમપ્રકાશ નાવાણી નસીબ અજમાવી રહ્યા હતા. જોકે, મતદારોએ પ્રોગ્રેસિવ પેનલ પર પોતાનો સંપૂર્ણ ભરોસો મૂક્યો છે.
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી મતગણતરીના અંતે સત્તાવાર પરિણામો જાહેર કરાયા હતા. વિજેતા બનેલા ત્રણેય ઉમેદવારો હવે આગામી ૩ વર્ષની મુદત માટે SRCમાં ડાયરેક્ટર તરીકેનું પદ સંભાળશે અને સંસ્થાના વિકાસ કાર્યોને આગળ ધપાવશે.



