લોકભાષા-આણંદપર :
નખત્રાણાના મુખ્ય વિસ્તાર એવા વથાણ ચોકમાં આવેલી ‘નરનારાયણ ફર્નિચર’ નામના શોરૂમમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફર્નિચરનો સામાન હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
નખત્રાણા નગરપાલિકાનો દરજ્જો ધરાવતું હોવા છતાં ત્યાં કાયમી ધોરણે ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મોટો વિલંબ થયો હતો. પરિણામે આગને ઓલવવા માટે ભુજ અને માતાના મઢથી ફાયર ફાઈટરની ટીમ બોલાવવી પડી હતી. સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોનું કહેવું છે કે જો નખત્રાણામાં જ ફાયર ફાઈટરની સુવિધા હોત તો આગ પર તાત્કાલિક કાબૂ મેળવી શકાયો હોત અને નુકસાનનું પ્રમાણ ઘટી શક્યું હોત. દૂરથી ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં નુકસાન વધી જાય છે.

ઘટનાના સમાચાર મળતાં જ સ્થાનિક સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ મદદ માટે દોડી આવ્યા હતા. જેમા ચંદનસિંહ રાઠોડ, મનોજ રૈયાણી, હિરેન વ્યાસ, ખુશાલ મહેતા, આનંદ સોની અને દીપેન જાની સહિતના લોકોએ સ્થળ પર હાજર રહીને આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
આ આફતના સમયે હોમગાર્ડ જવાન સુરેશ જોશીએ ભારે ભય અને મહેનત વચ્ચે દુકાનના અંડરગ્રાઉન્ડ વિભાગમાં સળગી રહેલું ગાદલું બહાર કાઢીને મોટી જાનહાનિ અને વધારે નુકસાન થતું અટકાવવામાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. આ ઘટના બાદ નખત્રાણામાં તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટરની કાયમી ફાળવણી કરવામાં આવે તેવી લોક માગણી પ્રબળ બની છે.



