લોકભાષા-ગાંધીધામ :
કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ આરી પાર્ક પાસે મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અને ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જઈ રહેલા રસ્તા પર કામદારોથી ભરેલી બોલેરો ગાડીને એક અજાણ્યા વાહને (બ્લેકરે/ટ્રકે) જોરદાર ટક્કર મારી હતી. આ કાળમુખા અકસ્માતમાં ૭ જેટલા શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી બોલેરો ગાડીમાં ૧૫થી વધુ કામદારો સવાર હોવાનું અનુમાન છે. મોડી રાત્રે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે ઘટનાસ્થળે હાજર લોકોની મરણતોલ ચીચીયારીઓ અને આક્રંદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
આ ભયાનક અકસ્માતમાં અન્ય શ્રમિકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તમામ મૃતદેહોને પહેલા ખાવડા અને ત્યારબાદ પીએમ (પોસ્ટમોર્ટમ) ની પ્રક્રિયા માટે ભુજ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આરી પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો આ પહેલો સૌથી મોટો અને ભયાનક અકસ્માત સર્જાયો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક શ્રમિકોના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ટક્કર મારીને નાસી છૂટેલા વાહનની શોધખોળ અને સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ખાવડાના આરી પાર્ક નજીક કાળજું કંપાવનારો અકસ્માત
બોલેરો અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર : ૭ કામદારોના કમકમાટીભર્યા મોત
Related Posts
Add A Comment


