લોકભાષા-ભુજ :
ભુજ શહેરની મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરીમાં ધક્કા ખવડાવતા અરજદારોએ હલાબોલ કરતા મામલો ઉગ્ર બની જવા પામ્યો હતો.
લોકોના આક્ષેપ મુજબ ભુજની મામલતદાર કચેરીમાં નિયત સમય મર્યાદા મુજબ કામો થતા નથી,સ્કૂલોમાં ફરજિયાત પણે શિષ્યવૃત્તિ, રાશન કાર્ડ સાથે કે વાય સી સહિતના મુદે આધારકાર્ડ અપડેટ કરાવવા જરૂરી હોવાથી દરરોજ ભુજ તાલુકા મામલતદાર કચેરીમાં અરજદારો ધક્કા ખાય છે.તેમ છતાં કામો થતા નથી.આજે ઉશ્કેરાયેલા અરજદારોએ ફરજ પરના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી.ધક્કામૂકી થતા ચેમ્બરનો કાચ તૂટી ગયો હતો.
ભુજ મામલતદાર ભરત શાહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દરરોજ આધારકાર્ડ 70થી 80 બની રહ્યા છે જેમાં દરરોજ ટોકન આપવામાં આવે છે આજે 80 કરતા વધુ અરજદારો એટલે કે 400 અરજદારો પહોંચી આવ્યા હતા. જેમાં અન્ય અરજદારોને પરત જવું પડતા મામલો બોલાચાલી સુધી પહોંચ્યો હતો. ટોકન લેવાની બાબતમાં ધક્કામુક્કી થતા કાચ તૂટયો હોવાનું બહાર આવવા પામ્યું હતું. આ સમગ્ર મામલે લોકોના જણાવ્યા પ્રમાણે દરરોજ 80 આધાર કાર્ડ બનાવવાની કામગીરીમાં વધારો કરવો જોઈએ લોકોને ધક્કો ન ખાવો પડે તેવું આયોજન ગોઠવવું જોઈએ. જેથી કરીને પરેશાની વેઠવી ન પડે.


