લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના ઘડુલી ગામના રાયકાનગર સામે ઉભેલા મહાકાય ટ્રેઇલરની પાછળ ઘડાકાભેર બાઇક અથડાતાં દયાપર અને જુણાચાયના બે મિત્રોનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. મૃતકોના પરિવારજનોમાં અરેરાટી સાથે ગમનો માહોલ સર્જાઇ ગયો હતો. કોઇ આડશ કે, ઇક્યુપમેન્ટ ન મુકી રોડ પર વાહન ઉભુ રાખી દેનાર ડ્રાઇવર અને પવનચક્કીની કંપનીના જવાબદારો સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
દયાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ રવિવારે મધરાત્રીના ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. જુણાચાય ગામે રહેતા હઠુભા દાનસંગજી જાડેજા અને દયાપરના પ્રફુલભાઇ પ્રેમજીભાઇ યાદવ બન્ને જણાઓ દયાપરથી ઉભરસર જીઆઇડીસીની માઇન્સ પર નોકરી પર જવા નીકળ્યા હતા. ત્યારે બાઇક જુણાચાયના હઠુભા ચલાવતા હતા. અને તેમના મિત્ર પ્રફુલ પાછળ બેઠા હતા. ત્યારે ઘડુલી ગામ પાસે રાયકાનગર સામેના રોડ પર પવનચક્કી સામાન સાથે ઉભેલા ટ્રેઇલરની પાછળના ભાગે બાઇક અથડાઇ હતી. જેના કારણે બાઇક સવાર બન્ને યુવાનોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. દયાપર પોલીસે મૃતક પ્રફુલભાઇના પુત્ર ચેતનભાઇની ફરિયાદ પરથી ટ્રેઇલરના ચાલક અને આઇનોક્સ વિન્ડ કંપનીના જવાબદાર કર્મચારી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.


