લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના બન્નીના સાધારા ગામમાં રહસ્યમય બીમારીથી ચિંતા ફેલાઈ છે. એક જ પરિવારના બે બાળકોના મોત થયા છે, જ્યારે પરિવારના અન્ય 6 સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીમારીનું કારણ જાણવા માટે સીરમ અને બ્લડ સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે ગામમાં પહોંચી તપાસ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સાધારા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી એક જ પરિવારના સભ્યો બીમાર પડતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મળતી માહિતી મુજબ, ગત 23 અને 24 સપ્ટેમ્બરની આસપાસ પરિવારના સભ્યોને અચાનક બીમારીના લક્ષણો દેખાયા હતા. તાવ, માથાનો દુખાવો અને ઉલ્ટીઓ જેવી તકલીફો બાદ પરિવારના સભ્યોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા…25 સપ્ટેમ્બરની રાત્રે 8 વર્ષના એક માસૂમ બાળકનું ઘરે જ કરુણ મોત થયું હતું. તેના 12 વર્ષના મોટા ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન બીજા બાળકનું પણ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને જી.કે. જનરલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના તબીબોની ઉચ્ચસ્તરીય ટીમે સાધારા ગામે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારના સભ્યોના સીરમ અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે, જે વધુ તપાસ માટે ગાંધીનગર મોકલાયા છે. પ્રાથમિક તબક્કે વાયરલએન્સેફેલાઇટિસની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ બીમારીનું ચોક્કસ કારણ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે તમામ સભ્યો હવે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. ખોરાક અને પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે.

હાલ આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના તમામ સભ્યોની સારવાર અને તબીબી તપાસ ચાલી રહી છે. ગાંધીનગરથી આવનારા સીરમ અને બ્લડ ટેસ્ટના રિપોર્ટ બાદ આ રહસ્યમય બીમારીનું ચોક્કસ કારણ સામે આવવાની શક્યતા છે.


