લોકભાષા-ગાંધીધામ :
ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ન્યુ દિલ્હી ખાતે દશમો આંતરરાષ્ટ્રીય સમારોહ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનો મુખ્ય હેતુ નકલી વેપાર તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટેનો હતો.
ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા નકલી વેપાર તથા દાણચોરીને અટકાવવા માટે કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીની વિગત મેળવવામાં આવી હતી જે અન્વયે ગુજરાત રાજયનાં અલગ-અલગ જીલ્લાઓમાંથી આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા અધિકારીઓ તથા કર્મચારીઓને નોમીનેટ કરવામાં આવ્યા હતા.

બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાંથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા લોકલ કાઈમ બ્રાન્ચએ ગત તા.૦૮/૦૧/૨૦૨૪ ના રોજ મેઘપર બોરીચી અંજાર ખાતેથી માદક પદાર્થ હેરોઈન અફીણ તથા અન્ય મુદ્દામાલ મળી કુલે રૂપિયા ૧,૧૨,૨૦,૮૦૯ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવી હતી.
તેમજ એલ.સી.બી. માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ ડી. પારગીની બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી માદાક પદાર્થ કોકેઈનનો જથ્થો ૮૨.૮૬૬ કિલો કુલ કિમત રૂપિયા ૮૨૮, ૬૬,૦૦,૦૦૦/-નો પકડવામાં આવ્યો હતો.
જે અન્વયે પુર્વ કચ્છ જીલ્લામાંથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. પોલીસ હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ ડી.પારગીનું ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સિલેકશન કરવામાં આવેલ હતુ અને તેઓને આ સમારોહમાં એવોર્ડ તથા પ્રસંશાપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં નકલી વેપા૨ તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા સબંધે આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરના વિવિધ વિભાગના મહાનુભાવોએ વક્તવ્ય આપી આ કોન્ફરન્સમાં જરૂરી માર્ગદર્શન આપેલ હતુ.


