લોકભાષા-ગાંધીધામ :
કચ્છમા કુદરતનો માર સહન કરતા ખેડૂતોને તહેવારના દિવસોમાં જ જગતના તાત ખેડૂતને વાવેતર માટે ખાતરની તંગી અકળાવી રહી છે. એક તરફ કમોસમી વરસાદે કચ્છના ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખાતરની અછત ત્રાસદાયક બની છે.
વાગડના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન બન્યા છે. તાલુકામાં કુલ 18 સહકારી મંડળી મારફતે ખાતર વિતરણ થાય છે અને ત્યારબાદ બાકી રહેતા ખેડૂતો રાપર સહકારી મંડળી ખાતેથી ખાતર મેળવવા આવે છે. પરંતુ અહીં અપૂરતો જથ્થો મળતો હોવાથી ખેડૂતો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે. મંગળવારે પણ ડીએપી ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી કતારોમાં ઊભા હતા દરમ્યાન અવસ્થા ઉભી થતા પોલીસ બોલાવવી પડી હતી. અને પરિસ્થિતિ કાબુ બહાર જતા ખાતર વિતરણ અટકી પડ્યું હોવાનું જાણવા મળે છે.
પૂર્વ કચ્છના રાપરમાં છેલ્લા એક મહિનાથી ખેડૂતો ખાતરની અછત વેંઢાળી રહ્યા છે પહેલા ખેડૂતો યુરિયા ખાતર માટે લાઈન લગાડતા હતા હવે ડીએપી ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનો લગાવી રહ્યા છે.
રાપરના ગેડી ગામમાં ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી લાઈન લગાવી ઊભા હતા પંરતુ ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. સ્થાનિક ખેડૂતોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે હાલ ખેડૂતોના પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પંરતુ ગામની મંડળી અને રાપર એપીએમસીમાં ખાતરનો જથ્થો પૂરતો ન હોવાથી પુરતા પ્રમાણમાં ખાતર મળતું નથી.
રાપર બજાર સમિતિ સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ખેડૂતોની કતારો બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોએ આક્રોશ પૂર્વક નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોને શિયાળુ વાવેતર માટે એક માસનો સમય મળતો હોય છે, ત્યારે સ્વાભાવિક ખાતરની માગ રહેવાની છે ત્યારે અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જેટલો કુલ જથ્થો જ મળવા પામ્યો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

