લોકભાષા-ભુજ :
ભુજના સ્ટેશન રોડ પર વહેલી સવારે રોડ ક્રોસ કરતા સફાઇ કામદાર મહિલાને અજાણ્યા બાઇક ચાલકે ટકકર મારતાં ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેશન રોડ પર જોષી પેટ્રોલ પંપ પાસે વાલ્મીકીવાસમાં રહેતા અને નગર પાલિકામાં હંગામી સફાઇ કામદાર તરીકે કામ કરતા પ્રભાબેન લાલજીભાઇ પુરબીયા (ઉ.વ.45) સવારે છ વાગ્યાના સમય ગાળા દરમિયાન રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે અજાગ્યા બાઇકના ચાલકે તેને ટકકર મારતાં ઇજા પહોંચી હતી. જેને કારણે રોડ પર મહિલાને વોમીટ થઇ હતી. મહિલાને ઘરે લઇ જવાયા બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જતી વખતે માર્ગ વચ્ચે દમ તોડ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.

