લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારે તુંબડી પીએચસીમાં નોકરી પર જવા બસની રાહ જોઇને ઉભેલી યુવતીને બાઇક પર આવેલા પ્રેમિ યુવકે ક્રુર્તા પૂર્વક ગુપ્તી અને તલવારના ઘા મારીને કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાની ઘટના બનતાં માંડવી પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં માંડવી પોલીસ કાફલો દોડી ગયો હતો. યુવતીના અન્ય સાથે સબંધ હોવાની આશંકામાં યુવકે હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. સ્થળ પરથી મળેલા સીસીટીવી ફુટેજને આધારે હત્યારાને રાઉન્ડઅપ કરી લેવાયો છે. પોલીસ પુછપરછ શરૂ કરી છે.
માંડવી પોલીસ મથકે મૃતક યુવતી ગૌવરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ.28)ના ભાઇ દિપકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સોમવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન ગોધરા ગામથી દુર્ગાપર જતા માર્ગ પર બન્યો હતો. ફરિયાદીની બહેન તુંબડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતી હોઇ વહેલી સવારે પાંચ વાગ્યે નોકરી જવા માટે બસની રાહ જોઇ રહી હતી. ત્યારે બાઇક પર આવેલા પ્રેમિ યુવકે આવેશમાં યુવતીના પેટના ભાગે ગુપ્તી ભોંકી, શરીના ભાગે તલવારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દઇ નાસી છુટ્યો હતો. મૃતક યુવતીના ઘરથી 100 મીટરના અંતરે દુર્ગાપુર જતા બહેન પડી હોવા અંગે પરિવારજનોને જાણ થઇ હતી. સ્થળ પર મૃતક ગૌવરીબેનના પેટમાં ગુપ્તી અંદર સુધી ખૂપેલી હતી. શરીરના ભાગે તલાવરના ઘા લાગ્યા હોઇ સ્થળ પર જ મૃત પામી હતી. માંડવી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એન.ઝાલા સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. સ્થળ પરથી તલવાર મળી આવી હતી. ઘટના વિસ્તારમાંથી બાઇક પર જતા યુવકના સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જેના આધારે તપાસ તેજ કરીને પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ સબંધ તેમજ યુવતીના અન્ય યુવક સાથે સબંધ હોવાની શંકાએ હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.


